Sunday, June 24, 2007

ભવ ભવનાં ભેરૂ - કથાસાર

ભવ ભવનાં ભેરૂ ( કથાસાર)
પહાડી પ્રદેશની વાંકીચૂંકી પગદંડી.....! માનવજીવનમાં વિધાતાનું એવું જ વાકુંચૂંકુ રેખાંકન.....! કાળના અવિરત પ્રવાહ સાથે માનવજીવન વહે જ જાય છે.
ડુંગરાળ પ્રદેશની તળેટીમાં ‘સુંદરપુર’ નામે નાનું ગામ છે. ત્યાંની વસ્તી ખેડૂતોની. લોકો સુખી સમૃધ્ધ અને આબાદ. ઋતુ અનુસાર પલટાતા રંગો સાથે જીવન જીવી જાણતાં કુદરતનાં આ બાળકોમાં તાજગીનો તરવરાટ છે.મહેનતથી કસાયેલાં શરીરોમાં કૌવત છે. નિર્દોષ હૈયામાં અસ્ખલિત પ્રેમનાં ઝરણાં છે. ગામની રજપૂત કન્યા ‘રેશમ’ મનથી વરી ચૂકેલાં પોતાનાં પ્રેમાળ પ્રીતમ ‘પર્વત’ની પ્રતીક્ષામાં સખીઓ સાથે મન મૂકીને રમી શકતી નથી. અને ‘પર્વત’ આવે છે......... ’રેશમ’નું અંગેઅંગ લજામણીના છોડસમું શરમથી લાલબની જાય છે.એને હૈયે દર્દ છે પણ હોઠે વાચા નથી. સાથે જીવવાનાં એકબીજાને કોલ અપાય છે. એકાદ વર્ષ પછી લગ્નબંધનથી જોડાઇ જવાની પર્વત ખાત્રી આપી વિદાય થાય છે. એક સાલ......! એક સાલ.....! એક ભવ કરતાંયે લાંબી અનુભવતી’રેશમ’ ગ્રામીણ કન્યાઓ સાથે પલટાતી ઋતુઓના પ્રવાહ સાથે અંતરના આનંદ માણી શકતી નથી. એણે તો નેણનાં નેવાં કીધાં છે નાવલિયાનાં નેહ કાજે..... એણે તો પ્રતીક્ષાનાં પાલવ પાથર્યા છે એના પ્રીતમનાં પંથ ભણી..... છતાંયે એનો પ્રીતમ ન આવ્યો.....
ક્યાંથી આવે? રેશમનાં પ્રેમ-બંધન કરતાંય વિશેષ ફરજનાં બંધન એને પોકારી રહ્યાં હોય છે. દેશની ઉત્તરે પાશવી દુશ્મન દેશે આચરેલાં રાક્ષસી આક્રમણની સામે ઝઝૂમવાં તે સંગ્રામનો શૂરો સીપાઇ બની જાય છે. દુશ્મનોનો સંહાર કરતો પર્વત..... હસતે મુખે ભારતનાં આ મુક્તિસંગ્રામમાં ઝૂકી પડે છે.એને હૈયે લેશ ડર નથી. દેશ આખામાંયે જગૃતિની જ્વાળા પ્રસરી રહે છે.કાશ્મીરથી કન્યાકુમારી સુધી ક્રાંતિની જ્યોત પ્રગટી ઉઠે છે. લોકો દેશરક્ષા કાજે તન, મન, ધન, રક્ત અને શ્રમનાં મહામૂલાં દાન વહાવે છે. દેશની ધરતી પરથી દુશ્મનને મારી હઠાવવાં જોમભર્યો માનવમહેરામણ એકી અવાજે ગર્જી ઉઠે છે. યુધ્ધતાંડવ મચી રહે છે. ભારતીય જવાનો શૌર્યથી દુશ્મનોનો સામનો કરે છે, સંહાર કરે છે.
પરંતુ દુશ્મનના હાથમાં પર્વત અને એના સાથીઓ પકડાઇ જાય છે.......
અને યુધ્ધકેદી બને છે. આ બાજુ રજપૂત કન્યા રેશમ પર્વત યુધ્ધે ગયેલ છે એમ જાણી શૌર્યથી સમસમી ઉઠે છે. દેશ રક્ષાકાજ આવેલી આ અણમોલ તક તે કેમ જતી કરે? તેણે પણ તાલીમ લીધી. એક વીરાંગના - પરિચારિકા બની તે સરહદ ઉપર દોડી આવી..ઘાયલ, પીડિત જવાનોની સેવામાં જ જીવનની કૃતકૃત્યતા અનુભવતી રહી.
દુશ્મનોને હાથતાળી આપી એમનો નાશ કરતો ઘવાયેલો પર્વત દેશની સરહદ સુધી પંહોચી જાય છે. રેશમ પણ પર્વતને શોધતી સરહદ સુધી પંહોચી જાય છે.
મિલન માટે ફકત બે ક્ષણનું અંતર બાકી હતું...... અને.... દુશ્મનની તોપનો ગોળો બન્નેની વચ્ચે પડી ફૂટે છે. ” જય ભારત મા” ના આખરી ઉદગાર બન્નેના મુખમાંથી સરી પડે છે.
“ભવ ભવનાં ભેરૂ”ની જીવનજ્યોત સાથે જ બૂઝાઇ જાય છે. બે દિવ્યજ્યોત ઉંચે ગગનમાં અગમનિગમની વાટે વિચરતી રહી......

**********************************************************